નર્મદા યોજના ગુજરાતની સમૃધ્ધિ તાણી લાવશે ? | |
Oct 31,2009![]() સિંચાઇક્ષેત્રે ગુજરાતની અને નર્મદા યોજનાના અમલીકરણ બાબતની વાસ્તવિક સ્થિતિ તરફ એક નજર નાખીએ તો ગુજરાતની પ્રજા માટે એ જરૃરી પણ છે. ગુજરાત રાજ્ય દેશમાં ઓછા જળસ્રોતવાળું રાજ્ય છે. રાજ્યના વિકાસ અને અર્થતંત્ર માટે સિંચાઈ ક્ષેત્ર અનિવાર્ય અને અગત્યનું છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્ય સિંચાઈ ક્ષેત્રે ૧૦મા સ્થાને છે. ‘નર્મદા યોજના’ પૂરી થવા છતાં આવંુ કેમ ? એ સમજવા યોજના અને તેના અમલીકરણ તરફની વિગતો જાણવી-સમજવી જરૃરી છે એવું તમને નથી લાગતું. ૧૯૪૬માં સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમ બાંધવાના વિચારબીજ રોપેલાં. તા. ૪ એપ્રિલ, ૧૯૬૧ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હાથે નર્મદા બંધનો શિલાયન્સ થયો હતો. અનેક વિરોધ - વિવાદો, અવરોધોમાંથી પસાર થતાં થતાં ૧૯૭૯માં આખરી એવોર્ડ આવેલો. તે વખતના ગુજરાતના કૃષિમંત્રી શ્રી કેશુભાઈ પટેલે બાર વર્ષમાં યોજના પૂરી કરાશે તેવી જાહેરાત કરી હતી. (પણ ૩૦ વર્ષેય પૂરી નથી થઈ શકી). નર્મદા યોજનાના વિરોધીઓ સામે લડવામાં ગુજરાતની સમગ્ર પ્રજાએ ગુજરાત સરકારને મજબૂત ટેકો આપેલ. દાખલા તરીકે ૧૯૯૦-૯૧માં દિલ્હી અને મુંબઈ ખાતે ગુજરાતની પ્રજાએ ખૂબ મોટા દેખાવો કરેલા, રેલીઓ કાઢી હતી. ૧૯૯૩માં ‘ફેરકૂવા આંદોલન’ ૨૮ દિવસ ચલાવેલ, ૧૯૯૭માં‘નર્મદામૈયા રથયાત્રા’ કાઢી આખા ગુજરાતમાં ફેરવી હતી. આમ બધા પ્રસંગોએ ગુજરાતની પ્રજાએ નર્મદા યોજનાની તરફેણમાં ઉત્સાહભેર સરકારને ટેકો આપ્યો હતો અને પરિણામે નર્મદા યોજના બાંધકામ સામેનો સુપ્રીમ કોર્ટનો મનાઈહુકમ દૂર થયો. બધાં વિઘ્નો પાર કરીને નર્મદા યોજનાનો આખરી વિજય થયો અને ૨૦૦૨ સુધીમાં ડેમની ૧૨૧.૯૨ મીટર ઊંચાઈનું બાંધકામ પણ પૂર્ણ થયું અને તા. ૨૦-૦૮-૨૦૦૨ના રોજ નર્મદા ડેમના પાણી મુખ્ય કેનાલ દ્વારા છોડવાની શરૃઆત થઇ હતી. નમર્દાની મુખ્ય કેનાલમાં પાણી વહે છે તે સૌના સહિયરા પુરુષાર્થનું અને ગુજરાતની પ્રજાના પ્રારબ્ધ અને પૂર્ણનું ફળ છે. જેમાંનું ૮૦ ટકા જેટલું પાણી સિંચાઈ માટે ખેતરોમાં પહોંચાડવાના બદલે વેડફાઇ રહ્યું છે. નર્મદા યોજનાના અમલીકરણમાં જરાકેય બેદરકારી - ભૂલ કે લાપરવાહી પરવડે તેમ નથી. સવાલ ગુજરાતની અસ્મિતા અને વિશ્વસનીયતાનો જ નથી, વૈશ્વિક ફલક પર સમગ્ર દેશની અસ્મિતા અને વિશ્વસનીયતાનો પણ આ સવાલ છે. આજ સુધી નર્મદા યોજનાના સંદર્ભમાં વખતોવખત જે ચર્ચાઓ થતી રહી તે બંધ (ડેમ)ના ઊંચાઈના વિવાદના કારણે, બંધ (ડેમ)ને કેન્દ્રમાં રાખીને જ થતી રહી છે પરંતુ ‘નર્મદા યોજના’નો મૂળ આશય એવી સિંચાઈને લગતી બાબતે ભાગ્યે જ ચર્ચા થતી. અને એ કારણે અત્યાર સુધી તે બાબત હાંસિયામાં ધકેલાઈ ગયેલ છે. તે નર્મદા ડેમ આધારિત સિંચાઈની સ્થિતિ જાળવી - સમજવી જરૃરી છે. |
નર્મદા ડેમ વિશે
Subscribe to:
Posts (Atom)